← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વૃદ્ધાશ્રમનું આલ્બમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વૃદ્ધાશ્રમના
ઓરડા નંબર સાતમાં
એક માજી
રોજ સાંજે
એક જૂનું આલ્બમ ખોલે છે.

પહેલું પાનું — દીકરાની છઠ્ઠી,
બીજું — પહેલું ડગલું,
ત્રીજું — નિશાળનો પહેલો દિવસ,
ચોથું — એનાં લગ્ન.

પાંચમું પાનું
કોરું છે.

માજી
એ કોરા પાના પર
ધીમેથી હાથ ફેરવે છે,
જાણે
કોઈ ફોટો
હજી પડવાનો બાકી હોય.

સેવિકા પૂછે છે:
‘બા, આ પાનું કેમ ખાલી?’

માજી હસીને કહે છે:
‘એ દિવસ માટે,
જ્યારે એ મને લેવા આવશે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપેન્શનજીનું ગીતઆગલો લેખ →કૂકડો