વીડિયો કૉલ
મા હવે
વીડિયો કૉલમાં
મારા ચહેરા કરતાં
મારી પાછળની દીવાલ વધારે જુએ છે.
“આ ભીંતે ભેજ કેમ છે?”
“પડદા ધોવડાવ્યા કે નહીં?”
“રસોડામાં અજવાળું ઓછું લાગે છે.”
હું હસીને કહું છું,
“મા, મને જો, મને.”
એ કહે છે,
“તને તો જોઈ લીધો,
આંખ નીચે કાળાં કૂંડાળાં છે,
ઊંઘ પૂરી નથી થતી,
ને જમવામાં તેલ વધારે લે છે.”
પાંચ ઇંચના કાચમાં
એણે મને
પહેલી બે સેકન્ડમાં જ
વાંચી લીધો હતો;
બાકીની વાતો તો
એ માત્ર એટલા માટે કરતી હતી
કે હું
એને રડતી ન જોઈ જાઉં.
– પરાગ રતનપરા