← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાળિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામના પાદરે
સિંદૂર ચોપડેલો એક પથ્થર છે.
કહે છે,
અહીં કોઈ જુવાને
ગાયો વાળવા
માથું આપ્યું હતું.

નામ?
કોઈને યાદ નથી.
વરસ?
કોઈને ખબર નથી.

આજે
એ પથ્થરને અઢેલીને
ગોવાળ બીડી પીએ છે,
છોકરાં એને ક્રિકેટનું સ્ટમ્પ બનાવે છે,
ને ચૂંટણી ટાણે
એના પર જ
પોસ્ટર ચોંટે છે —
“ગામની રક્ષા, અમારી જવાબદારી.”

પથ્થર ચૂપ છે.
જેણે ખરેખર માથું આપ્યું હોય
એ
પોસ્ટર સામે
દલીલ કરતો નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવીડિયો કૉલઆગલો લેખ →હું જ સારથી