← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખારવણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયો બોલાવે ને હોડી ડોલે, મારો ખારવો ગયો મધરાતે,
ઘરમાં દીવો ને મનમાં મોજું, ઊછળે વાતે વાતે…

જાળ ગૂંથી’તી રાતે બેસી, ગાંઠે ગાંઠે નામ,
લંગર છોડતાં બોલ્યો હસીને: ‘આવીશ પૂનમ શામ’;
ભરતી આવે, ઓટ આવે, આંખ ઝૂરે પરભાતે…
દરિયો બોલાવે…

શંખ લાવજે, છીપ લાવજે, કહેતી’તી હું ભોળી,
હવે કહું છું: ‘તું જ આવજે, ખાલી રાખજે ઝોળી’;
મોતી શું કરવાં, જો દરિયો તને લઈ જાય સંગાથે…
દરિયો બોલાવે…

પરાગ કહે: ખારવણનું હૈયું દરિયાથી યે ઊંડું,
ખારાં જળ પી પી એણે રાખ્યું મીઠું કૂંડું;
સઢ દેખાયો દૂર ક્ષિતિજે, ચાંદ ઊગ્યો આ રાતે…
દરિયો બોલાવે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદીકરીનું હાલરડુંઆગલો લેખ →વીડિયો કૉલ