દીકરીનું હાલરડું
હાલાં રે વાલાં મારી દીકરીને, હાલાં રે,
મારી લાડકી ઝૂલે સૂરજને પારણે…
ઢીંગલી સાથે દઈશ તને હું પાટી ને પેન રે,
ઘૂંઘટ સાથે દઈશ ઉઘાડાં આભનાં નેણ રે;
ડરવું નહીં, ઝૂકવું નહીં, ઊડજે આભને બારણે…
હાલાં રે વાલાં…
કોઈ કહે કે ‘છોરી છે’, તો હસીને જોજે સામે,
ઝાંસી જેવું તેજ ભર્યું છે તારી આંખને ઠામે;
તુલસી જેવી ઊગજે, દીકરી, કાંટાળા આંગણે…
હાલાં રે વાલાં…
પરાગ કહે: આ હાલરડું નથી, છે આશિષનો દોરો,
ઊંઘમાં પણ શીખી લેજે કે હક છે તારો પૂરો;
સવારે ઊઠી બાંધજે તું તારું નામ તોરણે…
હાલાં રે વાલાં…
– પરાગ રતનપરા