← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વસંત ક્યારે ગઈ?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું
લોનનું ફૉર્મ ભરતો હતો —
નામ, સરનામું, પગાર, જામીન.

બારી બહાર
ગુલમહોર સળગ્યો,
કોયલ બોલી,
આંબે મોર બેઠો.

મેં વિચાર્યું:
આ ફૉર્મ પૂરું કરી લઉં,
પછી જોઈશ.

પછી ઇન્કમ-ટૅક્સનું રિટર્ન,
પછી દીકરીનું ઍડમિશન,
પછી ઑફિસનું ઑડિટ.

આજે બારી ખોલી
તો
ગુલમહોરનાં ફૂલ
ફૂટપાથ પર
કચડાયેલાં પડ્યાં હતાં,
ને કોયલ
બીજા કોઈ શહેરમાં
ચાલી ગઈ હતી.

વસંત
એ ફૉર્મના
કોઈ ખાનામાં
સમાઈ નહીં,
એટલે
પાછી ચાલી ગઈ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખએક પળને કાજઆગલો લેખ →આજ ક્યાં