વસિયતનામું
વકીલે કહ્યું:
‘વસિયતમાં લખો,
કોને શું આપવું છે.’
મેં લખ્યું:
ઘર — દીકરાને.
ખેતર — દીકરીને.
ઘડિયાળ — પૌત્રને,
કેમ કે એને સમયની બહુ ઉતાવળ છે.
પછી કલમ અટકી.
આંગણાનો લીમડો,
સવારે ત્યાં આવતી બે ખિસકોલી,
બારીમાંથી દેખાતો
સાંજનો કેસરિયો ટુકડો,
ને પત્નીનો એ
અડધો રહી ગયેલો ઝઘડો —
આ બધું
કોના નામે કરું?
વકીલ હસ્યો:
‘આ બધું કાયદામાં નથી આવતું.’
મેં કહ્યું:
‘તો પછી
આ જ મારી અંતિમ દલીલ છે —
જે કાયદામાં નથી આવતું,
એ જ જીવવા જેવું હતું.’
– પરાગ રતનપરા