કવિ ગયા
શ્વાસ તો યમદૂત લઈ ગ્યા, લાગણી છોડી ગયા,
દીકરીને ગીતની એ ઓઢણી છોડી ગયા.
ડાયરી, ચશ્માં, કલમ, ને ચા ય અડધી ત્યાં રહી,
ને અધૂરું ગીત, ને એ રાગિણી છોડી ગયા.
ના હવેલી, ના જમીનો, ના કશું ખાતે જમા,
‘વાંચજો મુજને’ — કહી, એ માંગણી છોડી ગયા.
રાહમાં યમરાજને પણ સંભળાવી એક ગઝલ,
પથ્થરે પણ શબ્દની એ વાવણી છોડી ગયા.
એ ગયા એવું કહે છે લોક, પણ જાણું ‘પરાગ’,
ગામને આખા ગઝલની બાંધણી છોડી ગયા.
– પરાગ રતનપરા
#ગઝલ #કવિ #અંજલિ #વિદાય #અમરશબ્દ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetsFarewell #Tribute #ImmortalWords #Legacy #ParagRatanpara