← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દિલાસા ન મોકલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દિલાસા ન મોકલ, સજનવા, દિલાસા ન મોકલ,
મોકલવો હોય તો આંગણે તારો એક પગરવ મોકલ.

‘સારું થઈ જાશે’ લખીને તું છૂટી જાય છે સાવ,
ને અહીંયાં ઓશીકે બેસી રોજ રડે છે ઘાવ;
શબ્દોનાં સાંત્વન કરતાં તો તારું મૌન જ મોકલ…
દિલાસા ન મોકલ…

ફૂલ મોકલે, ફોટા મોકલે, મોકલે મીઠાં ગીત,
પણ મોકલતો ના તું ખુદને, એ તે કેવી પ્રીત?
કાગળ નહીં, તો પવનની સાથે તારો શ્વાસ જ મોકલ…
દિલાસા ન મોકલ…

પરાગ કહે: જેને ઝંખના લાગી, એને શું આશ્વાસન?
તરસ્યાને તું પાણીની વાતો કહે, તો શું થાય સાજન?
કાં તો આવી ઊભો રહે, કાં કશું ય ન મોકલ…
દિલાસા ન મોકલ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજલસો કરોઆગલો લેખ →કવિ ગયા