← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વારસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરા,
મારી પાસે તને આપવા
ખેતર નથી,
બંગલો નથી,
બૅન્કમાં ફિક્સ ડિપોઝિટ પણ નથી.

મારી પાસે છે
એક લાકડાનો કબાટ,
જેમાં
મેઘાણી છે, કલાપી છે,
ઉમાશંકર છે,
ને બે-ચાર એવાં પુસ્તકો
જેનાં પાનાં વચ્ચે
મેં સુકાયેલાં ફૂલ મૂક્યાં છે.

વકીલ કહેશે:
‘આની કોઈ કિંમત નથી.’

પણ દીકરા,
કોઈ રાતે તું એકલો પડે,
ને આખું જગત
તારી સામે ખોટું બોલતું લાગે,
ત્યારે આ કબાટ ખોલજે.

અંદરથી
તારો બાપ નહીં,
આખી એક પરંપરા
તારો હાથ પકડશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસેલઆગલો લેખ →ઘેટાં