← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘેટાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાડામાં
હજારો ઘેટાં હતાં,
અને બધાંનું એક જ નામ —
જનતા.

ચૂંટણી આવી
એટલે વરુ આવ્યું,
માથે ટોપી,
ગળામાં ખેસ,
ને હાથ જોડીને બોલ્યું:
‘હું તમારો સેવક છું.
તમારું ઊન
હવે હું સાચવીશ.’

ઘેટાંએ તાળીઓ પાડી,
ઢોલ વગાડ્યાં,
ને વરુને
વાડાની ચાવી આપી.

પાંચ વર્ષ પછી
વાડામાં
ઊન ઘણું હતું,
ઘેટાં ઓછાં.

ફરી ચૂંટણી આવી.
આ વખતે
બીજું વરુ આવ્યું,
બીજા રંગની ટોપી પહેરીને.

ઘેટાંએ ફરી તાળીઓ પાડી.

વાર્તાનો સાર:
ઘેટાંને
વરુ નહીં,
ટોપીનો રંગ યાદ રહે છે.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખવારસોઆગલો લેખ →એ બોલી નહીં