← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટૂથપેસ્ટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણે આજે પણ ઝઘડ્યાં.

વાત તો નાની હતી —
ટૂથપેસ્ટની ટ્યૂબ
વચ્ચેથી દબાવવાની.

તેં કહ્યું: ‘ચાલીસ વર્ષથી કહું છું!’
મેં કહ્યું: ‘ચાલીસ વર્ષથી દબાવું છું!’
પછી બંને ચૂપ.

રાતે
તેં મારી દવાની ગોળી
પાણીના પ્યાલા સાથે
ખાટલે મૂકી.
મેં તારા ઘૂંટણે
તેલ ઘસ્યું.

ટ્યૂબ હજી
વચ્ચેથી જ દબાયેલી છે,
ને આપણો સંબંધ
એ જ રીતે —
દબાયેલો,
પણ ખાલી નહીં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખેડૂતનું ગણિતઆગલો લેખ →તડકે મૂકો