થીંગડાં
બા
ફાટેલાં કપડાંને
થીંગડાં મારતી.
ઘૂંટણે,
કોણીએ,
ખિસ્સાની કિનારે.
અમે શરમાતા:
‘બા, આ પહેરીને નિશાળે કેમ જવાય?’
આજે મારો દીકરો
મોંઘા મૉલમાંથી
ઘૂંટણેથી ફાટેલું જીન્સ
ત્રણ હજારમાં લઈ આવ્યો.
બાએ જોયું,
ચશ્માં સરખાં કર્યાં,
ને રાત્રે ચૂપચાપ
એને થીંગડું મારી દીધું.
સવારે
દીકરો રડ્યો,
હું હસ્યો,
ને બા બોલી:
‘ફાટેલું રાખવાની ટેવ
સારી નહીં, બેટા —
કપડાંમાં પણ નહીં,
સંબંધમાં પણ નહીં.’
– પરાગ રતનપરા