થીજેલી ક્ષણ
સ્ટેશનના બાંકડા પર
તેં કહ્યું હતું:
‘હું પાછી આવીશ.’
ત્યારે
સામેની ઘડિયાળમાં
પાંચ ને વીસ થઈ હતી.
ત્યાર પછી
ઘણા શિયાળા આવ્યા.
નદીઓ થીજી,
પીગળી,
ફરી થીજી.
મારા વાળ ધોળા થયા,
બાંકડાનો રંગ ઊખડ્યો,
ઘડિયાળ પણ
રેલવેવાળાએ બદલી નાખી.
પણ મારી અંદર
હજી
પાંચ ને વીસ જ છે.
કેટલીક ક્ષણો
પસાર થતી નથી.
એ બરફ થઈને
છાતીમાં બેસી જાય છે,
ને આખી જિંદગી
ધીમે ધીમે
ટપકતી રહે છે.
– પરાગ રતનપરા