← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બા ગઈ ત્યારે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બા,
તું ગઈ ત્યારે
અમે એટલા નાના નહોતા
કે રડી શકીએ મોટેથી,
ને એટલા મોટા પણ નહોતા
કે ના રડીએ.

બધું થયું
જેમ થવું જોઈએ —
બેસણું, પિંડદાન,
છાપામાં ફોટો,
સગાંઓની ભીડ.

પણ
તેરમા દિવસે
રસોડામાં
દાળના ડબ્બા પાછળ
તારી લખેલી
એક ચિઠ્ઠી મળી:
‘મીઠું ખૂટવા આવ્યું છે.’

બસ,
ત્યારે જ
હું રડ્યો.

તું ગઈ,
ને જતાં જતાં પણ
ઘરની ચિંતા
ભૂલી નહીં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખથીજેલી ક્ષણઆગલો લેખ →વાડીએ વાટ