← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તરવાનું સપનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગઈ રાતે સપનું આવ્યું —
બાપુજી મને
ગામની નદીમાં તરતાં શીખવે છે.

એમના બે હાથ
મારા પેટ નીચે,
ને એ કહે છે:
‘ડર નહીં, હું છું.’

હું હાથ-પગ ઉછાળું છું,
પાણી મોઢામાં જાય છે,
ને ધીમે ધીમે
એમના હાથ ખસી જાય છે —
મને ખબર પણ પડતી નથી.

જાગ્યો ત્યારે
ઓશીકું ભીનું હતું.

બાપુજીને ગયે દસ વરસ થયાં,
નદી તો સાવ સુકાઈ ગઈ છે.

તો ય
જ્યારે જ્યારે જીવનમાં ડૂબવા જેવું થાય છે,
હું તરી જાઉં છું —
પેટ નીચે
હજી બે હાથ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરસોઈની ડાયરીઆગલો લેખ →ટોળામાં