← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તને બધી ખબર છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું જુવાન છે,
એટલે તને બધી ખબર છે.

તને ખબર છે
કે પ્રેમ કાયમ ટકે છે,
કે મિત્રો કદી દગો નથી દેતા,
કે દુનિયા
તારી એક બૂમથી બદલાઈ જશે.

સાંભળ, દીકરા —
હું તને રોકીશ નહીં.

ધસી જજે.
ભીંત સાથે માથું અફાળજે,
પ્રેમમાં પડજે, તૂટજે,
ફરી ઊભો થજે.

બસ એટલું યાદ રાખજે:
જે દિવસે
તને લાગશે કે
હવે તને કંઈ જ ખબર નથી —
એ દિવસે
તું પહેલી વાર
સાચું કંઈક શીખ્યો હોઈશ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપરોણોઆગલો લેખ →તું આપજે