← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તમારે માટે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધરતી ધ્રૂજી ત્યારે
તમે ક્યાં હતા, મને ખબર નથી.

મને એટલી ખબર છે
કે કાટમાળ નીચેથી
એક ઢીંગલી મળી હતી,
જેની એક આંખ ખુલ્લી હતી
ને બીજી બંધ —
જાણે અડધી ઊંઘમાં
કોઈની રાહ જોતી.

એ ઢીંગલી
હજી પણ મારા ટેબલ પર છે.
રોજ સવારે
હું એને પૂછું છું:
‘કોણ હતી એ?’

એ જવાબ નથી આપતી.
એની ખુલ્લી આંખમાં
આખો દિવસ
એક ગામ
ધૂળ થઈને ઊડ્યા કરે છે.

તમારે માટે,
જેમનાં નામ
કોઈ યાદીમાં નથી,
હું આ કવિતા
ઢીંગલીની બંધ આંખ પર
મૂકી દઉં છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમૃત્યુનો દાખલોઆગલો લેખ →મોગરો