ટહુકો ડાઉનલોડ
પૌત્રે પૂછ્યું:
‘દાદા,
કોયલ કેવું બોલે?’
દાદાએ
આંખ મીંચી,
ગળું ખોંખાર્યું,
ને બે વાર
‘કૂ… ઊ… કૂ… ઊ…’ કર્યું.
પૌત્ર હસ્યો:
‘એવું નહીં, દાદા,
ઊભા રહો.’
એણે ફોનમાં
‘નેચર સાઉન્ડ્સ’ ખોલ્યું,
ને ઓરડામાં
આખું વસંતવન ટહુકી ઊઠ્યું.
દાદા
બારી બહાર જોતા રહ્યા —
જ્યાં પહેલાં આંબો હતો,
ત્યાં હવે
પાર્કિંગ છે.
ટહુકો હવે
ઍપમાં મળે છે,
ડાઉનલોડ કરવો પડે છે.
ને ઝાડ?
ઝાડ
‘આઉટ ઑફ સ્ટૉક’ છે.
– પરાગ રતનપરા