← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તાપણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પરોઢિયે
ફળિયામાં તાપણું સળગાવીને
ડોસો બેઠો છે.

હાથ લાંબા કરે છે આગ તરફ,
જાણે
આખી જિંદગીમાં જે ઠંડી ભેગી કરી
એ આજે જ ઓગાળી નાખવી હોય.

એ બોલે છે — કોઈને નહીં,
આગને:
‘આ ખેતર મેં ખેડ્યું,
આ ઓરડો મેં ચણ્યો,
આ લીમડો મારી મા એ વાવેલો…’

દીકરાની વહુ
ઓસરીમાંથી બૂમ પાડે છે:
‘બાપુ, ચા ઠરી જાય છે.’

ડોસો હસે છે.
ચાનું તો ઠીક,
અહીં
આખો ભૂતકાળ ઠરી રહ્યો છે,
અને
તાપણામાં
છેલ્લાં લાકડાં
એની વાર્તાના અક્ષરો જેવાં
તડતડ બળે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદર્દ છેઆગલો લેખ →ઇચ્છાના પતંગ