સૂરજ ક્યારે આથમ્યો
મારા ગામમાં
સૂરજ આથમે ત્યારે
આખું ગામ જાણે:
ગાયો વાંભ દે,
મંદિરે ઝાલર વાગે,
બા ચૂલો પેટાવે,
ને બાપુ ખાટલો ઢાળે.
શહેરના ઑફિસ-ટાવરમાં
સૂરજ ક્યારે આથમ્યો
એની કોઈને ખબર નથી પડતી;
કાચની બારીઓ છે,
એ.સી. છે,
ટ્યુબલાઇટ ચાલુ છે.
રાતે અગિયાર વાગે
લિફ્ટમાંથી ઊતરું ત્યારે
સમજાય છે —
આજે પણ
સૂરજ આથમ્યો,
ને એની સાથે
મારો એક આખો દિવસ.
– પરાગ રતનપરા