સંગમ
ચાલીસ વર્ષ પછી
સ્ટેશન પર
અચાનક
એ મળી ગયો —
મારો બાળપણનો ભાઈબંધ.
માથે ટાલ,
પેટ આગળ,
આંખે જાડાં ચશ્માં.
અમે બંને
થોડી વાર
એકબીજાને ઓળખતા રહ્યા,
જાણે નદી
પોતાનું જ મૂળ
શોધતી હોય.
પછી એ બોલ્યો:
‘અલ્યા, તું તો
હજી એવો ને એવો!’
બંને જાણતા હતા
કે એ જૂઠું છે.
ને તોય
એ ક્ષણે
બે સુકાયેલાં ઝરણાં
ફરી
ખળખળ વહેવા લાગ્યાં.
– પરાગ રતનપરા