સાંજનું સપનું
સમી સાંજે ઝોકું આવ્યું, ને આવ્યું સપનું સાવ,
નદી કાંઠે ઊભી'તી તું, ને લાવી'તી એક નાવ.
કેડે ગાગર, માથે ઓઢણ, પગમાં ઝાંઝર રણકે,
આંખ મળી ને હૈયું મારું ચકલી જેવું ચમકે;
બોલી: ‘ચાલ, સામે પાર જઈએ, છોડી બધો તણાવ’…
સમી સાંજે ઝોકું…
હલેસું લીધું હાથમાં ને નાવ ચાલી હળવી,
વચ્ચે નદીમાં ચાંદો ઊગ્યો, રાત થઈ ગઈ મળવી;
ત્યાં જ પાછળથી બા બોલી: ‘ઊઠ, દાળમાં નાખ્યો વઘાર!’
સમી સાંજે ઝોકું…
પરાગ કહે: આ સપનાં તો છે સાંજનાં પંખી,
ઘડીક બેસે આંખની ડાળે, પછી જાય ઊડી રંગી;
પણ જે ઘડી બેઠાં, એ ઘડીનો કોણ ચૂકવે ભાવ?
સમી સાંજે ઝોકું…
– પરાગ રતનપરા