પાંદડાં
ડાળ પર ઝૂલે હજી થોડાંક લીલાં પાંદડાં,
સ્હેજ પવને થરથરે છે સાવ ઢીલાં પાંદડાં.
વૃદ્ધઘરમાં બાંકડે બેઠા હતા વડલા ઘણા,
કોઈ ના'વે, તોય વળગી છે હઠીલાં પાંદડાં.
આ વસંતે ફૂટશે કૂંપળ નવી શાખે બધે,
કાલ પીળાં થઈ જશે આ સૌ રસીલાં પાંદડાં.
તાપ ઝીલીને સદા જેણે બચાવ્યું ઝાડને,
આંગણે ભેગાં કરી બાળે સજીલાં પાંદડાં.
આ પરાગે પાનખરમાં ગીત ગાયું મોકળું,
ને ખરે ત્યારે ય ગાતાં'તાં છબીલાં પાંદડાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પાનખર #ઘડપણ #વૃદ્ધાશ્રમ #જીવનચક્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #Autumn #OldAge #CycleOfLife #FallingLeaves #ParagRatanpara