← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સિગ્નલ પર તિરંગો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પંદરમી ઑગસ્ટ.
ધ્વજ ચડ્યો,
લાઉડસ્પીકરે દેશભક્તિનાં ગીત ગાજ્યાં,
નેતાજીએ ભાષણમાં
‘આઝાદી’ શબ્દ
સત્તાવીસ વાર વાપર્યો.

ચાર રસ્તે
લાલ લાઇટ થઈ.
એક નાનો છોકરો
ઉઘાડા પગે
ગાડીઓના કાચ ઠોકતો રહ્યો:
‘સાહેબ, દસ રૂપિયાનો તિરંગો…’

કાચ ઊતર્યા, ન ઊતર્યા.

લીલી લાઇટ થઈ.
આઝાદી
ખરીદનારા સાથે
સડસડાટ નીકળી ગઈ;
વેચનારો
હજી ત્યાં જ ઊભો છે —
આવતી લાલ લાઇટની રાહમાં.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખબોલી જાય છેઆગલો લેખ →મુઠ્ઠી