બોલી જાય છે
હોઠ ના બોલે, છતાં આ રાત બોલી જાય છે,
આંખ ભીની થઈ જતાં સૌ વાત બોલી જાય છે.
બાપ તો ચાલ્યા ગયા, ખાંસી હજી કાને પડે,
આજ ખાલી ખાટલે પણ તાત બોલી જાય છે.
હું મુખોટાં સો ધરું છું રોજ લોકોની વચે,
આયને ઊભો રહું ત્યાં જાત બોલી જાય છે.
એ હસે છે ફૂલ જેવું, હાથ પણ છે રેશમી,
પીઠ પર જે થાય છે એ ઘાત બોલી જાય છે.
આ પરાગે મૌન રાખ્યું, ફૂલ પણ બોલ્યાં નહીં,
ને છતાં આ મ્હેકની સૌ ભાત બોલી જાય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #પિતા #સ્મરણ #અરીસો #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #Father #Remembrance #InnerSelf #ParagRatanpara