શેરબજાર
સવારે સાડા નવ વાગે
શર્માજીનો મૂડ
‘ઓપન’ થાય છે.
સેન્સેક્સ ઊંચો,
તો પત્નીને ‘ડાર્લિંગ’,
ચામાં બે ચમચી ખાંડ,
ને પડોશીને ‘જય શ્રી કૃષ્ણ’.
બપોરે બે વાગે
બજાર ગગડે,
તો દાળમાં મીઠું વધારે,
છોકરાંના માર્ક્સ ઓછા,
ને ભગવાન પણ ‘ફેલ’.
સાંજે સાડા ત્રણે
બજાર બંધ થાય
ત્યારે શર્માજી
સોફામાં ઢળી પડે છે
ને બોલે છે:
‘કાલે જોઈશું.’
એમનાં બા
ખૂણામાં માળા ફેરવતાં
મલકાય છે.
સિત્તેર વર્ષથી
એમનો ‘ઇન્ડેક્સ’
એક જ છે —
શ્રદ્ધા.
– પરાગ રતનપરા