રમકડાની બંદૂક
દીકરાએ
જન્મદિવસે
રમકડાની બંદૂક માગી.
‘ઢિશુમ્! ઢિશુમ્!’
એ આખા ઘરમાં
દુશ્મનો મારતો ફરે છે —
દાદીને, બિલાડીને,
કૂંડામાંના તુલસીને.
હું છાપું વાંચું છું.
પહેલે પાને
ક્યાંક દૂરના દેશમાં
એક બાપ
દીકરાના જોડા હાથમાં લઈને
રડે છે.
દીકરો મારી સામે
બંદૂક તાકે છે:
‘પપ્પા, તમે મરી ગયા!’
હું હસીને
ઢળી પડવાનો ડોળ કરું છું.
પણ સાંજે
બંદૂક સંતાડી દઉં છું
ને એના હાથમાં
એક વાંસળી મૂકી દઉં છું.
કોણ જાણે,
દુનિયાનો
કયો ઘા
રમકડાથી શરૂ થતો હોય.
– પરાગ રતનપરા