શાકભાજીની લારી
સોસાયટીના ઝાંપે
રોજ સવારે એક લારી આવે છે.
લારી પર
ટામેટાં, ભીંડા, મેથીની ઝૂડી,
અને પ્લાસ્ટિકની થેલીમાં
થોડુંક ખેતર.
મારો દીકરો પૂછે છે:
‘પપ્પા, રીંગણ ક્યાં ઊગે?’
હું કહું છું: ‘લારી પર.’
એ હસે છે.
હું નથી હસી શકતો.
કારણ, મને યાદ છે —
બાપુજીના ખેતરમાં
રીંગણ પર ઝાકળ બેસતું,
ને એ ઝાકળમાં
આખું આકાશ ઊગતું.
હવે આકાશ
ફ્રિજના શાક-ખાનામાં
પાંચ દિવસ તાજું રહે છે,
પછી કરમાઈ જાય છે —
બરાબર
મારી જેમ.
– પરાગ રતનપરા