વાદળનો શાહુકાર
સાંજના આકાશમાં કાળી ઘટા ઘેરાય છે,
ખેતરે ઊભો ધણી પણ આંખથી ભીંજાય છે.
ગામનો ઘરડો મુખી પણ લાકડી લઈ નાચતો,
સાંભળી ગડગડ ગગનની, બાળ જેવો થાય છે.
ઓસરીમાં બા ગણે છે નેવલાંની ધાર બસ,
એકલી પણ ગીત જેવું કંઈ મનમાં ગાય છે.
ગામ આખું ખાબડામાં છબછબાં કરતું ફરે,
વાદળાંને વેદ જાણે મોરલો સમજાય છે.
ડાળ પર, પાને, તૃણે મોતી બધે વેરી ગયું,
કોણ દાતા આજ આવો ગામમાં દેખાય છે?
આ પરાગે શબ્દ વાવ્યા એક કોરા કાગળે,
એક છાંટો જ્યાં અડે, આખું ય પાનું ગાય છે!
– પરાગ રતનપરા
#ગઝલ #ચોમાસું #ગામડું #ખેડૂત #વરસાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #VillageLife #FarmersJoy #RainPoetry #ParagRatanpara