← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સવાલ-જવાબ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરાએ પૂછ્યું:
‘પપ્પા, આકાશ કેમ ભૂરું છે?’
મેં કહ્યું:
‘સૂરજનો પ્રકાશ વિખેરાય છે, એટલે.’

‘પપ્પા, તમે રોજ મોડા કેમ આવો છો?’
‘કામ ઘણું હોય છે, એટલે.’

‘પપ્પા, કામ કેમ ઘણું હોય છે?’
‘પૈસા કમાવા પડે, એટલે.’

‘પપ્પા, પૈસા કેમ કમાવા પડે?’
‘તને સારી સ્કૂલમાં ભણાવવા, એટલે.’

‘પપ્પા, સ્કૂલમાં કેમ ભણવું પડે?’
‘મોટા થઈને સારું કામ મળે, એટલે.’

એ થોડી વાર ચૂપ રહ્યો.
પછી બોલ્યો:
‘તો પછી હું પણ
રોજ મોડો આવીશ?’

મારી પાસે
આકાશ કેમ ભૂરું છે
એનો જવાબ હતો,
પણ આનો
નહોતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાકીઆગલો લેખ →દોસ્ત