← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સપનાનું ગામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊંઘ અને જાગ વચ્ચે
એક ગામ છે,
જ્યાં કોઈ બૅન્ક નથી,
કોઈ પાસવર્ડ નથી,
ને કોઈ ઘડિયાળ
મોડું થવાનું
યાદ નથી કરાવતી.

ત્યાં
પહેલા વરસાદની
માટીની ગંધ
રોજ સવારે
દરવાજે છાપાની જેમ પડે છે.

ત્યાં
બા હજી
ચૂલે રોટલી શેકે છે,
ને બાપુ
ઓટલે બેસીને
રેડિયો પર સમાચાર નહીં,
ભજન સાંભળે છે.

ત્યાં
મારા મિત્રો
હજી ચડ્ડી પહેરે છે,
ને લખોટીની
એક જ ગોળીમાં
આખી પૃથ્વી સમાઈ જાય છે.

હું રોજ રાતે
ત્યાં જાઉં છું,
ને રોજ સવારે
એલાર્મ
મને ત્યાંથી
હદપાર કરે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાંજેઆગલો લેખ →સંધ્યા