સાતમું વચન
ફેરા ફરતી વખતે
ગોરમહારાજે
સાત વચન
ઉતાવળે બોલાવ્યાં હતાં.
ત્યારે
અમને
એકેય યાદ નહોતું રહ્યું.
પછી
પચાસ વર્ષ
અમે જાતે જ
લખતાં ગયાં —
પહેલું:
‘તું બીમાર હોઈશ, તો ચા હું બનાવીશ.’
બીજું:
‘દીકરી વળાવીશું, ત્યારે હું તારી પહેલાં નહીં રડું.’
ત્રીજું:
‘તારાં ચશ્માં હું શોધી આપીશ.’
ને એમ જ
ચોથું, પાંચમું, છઠ્ઠું…
ગઈ કાલે
હૉસ્પિટલના પલંગે
એણે મારો હાથ દબાવ્યો
ને ધીમેથી બોલી:
‘સાતમું વચન —
આગળ હું જાઉં,
તો પાછળ
તું રડતો નહીં.’
હું
પહેલી વાર
વચન તોડી રહ્યો છું.
– પરાગ રતનપરા