← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જેલમાં જન્મ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જન્માષ્ટમીની રાત હતી.

મહિલા જેલની
બૅરેક નંબર ત્રણમાં
એક કેદી સ્ત્રીને
પ્રસૂતિની પીડા ઊપડી.

ન વસુદેવ,
ન ટોપલો,
ન યમુના.

સિપાઈ
ચાવી શોધતો રહ્યો,
ડૉક્ટર
ફોન ઉપાડતો રહ્યો,
ને બહાર
મંદિરોમાં
‘નંદ ઘેર આનંદ ભયો’ ગવાતું રહ્યું.

રાતે બાર વાગ્યે
બાળકનું રુદન
સળિયા વચ્ચેથી
બહાર નીકળ્યું.

કોઈએ
થાળી ન વગાડી,
કોઈએ
પારણું ન ઝુલાવ્યું.

બસ,
બધી કેદી સ્ત્રીઓ
એક સાથે
રડી પડી —

કહે છે,
એ રાતે
જેલનું તાળું
ખૂલ્યું નહીં,
પણ
થોડુંક ઢીલું પડ્યું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફેરિયોઆગલો લેખ →સાતમું વચન