← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેંટિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદીમાનો રેંટિયો
ગણગણે છે —
ઘૂં… ઘૂં…
એના પૈડામાં
આખું બ્રહ્માંડ ફરે છે.

પૂણીમાંથી તાર,
તારમાંથી દોરો,
દોરામાંથી કપડું,
કપડામાંથી
એક દિવસ કફન.

દાદીમા કહેતાં:
‘બેટા, કાંતવાનું કામ આપણું,
વણવાનું એનું.’
‘એ કોણ?’
દાદીમા હસતાં, ને ત્રાક ફેરવતાં.

આજે દાદીમા નથી,
રેંટિયો માળિયે છે.
પણ રાતે,
જ્યારે શ્વાસ
એક એક કરીને આવે છે ને જાય છે,
ત્યારે સંભળાય છે —
ઘૂં… ઘૂં…
કોઈ હજી કાંતી રહ્યું છે,
મને.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમન મારુંઆગલો લેખ →ઝાકળ