રબર
પાંચ વર્ષની દીકરીએ
ચિત્ર દોર્યું —
ઘર, ઝાડ, સૂરજ,
ને ઘરની બહાર ઊભેલા
મમ્મી, પપ્પા ને એ પોતે.
પછી
પપ્પાનો હાથ
રબરથી ભૂંસી નાખ્યો.
મેં પૂછ્યું: ‘કેમ?’
એ બોલી:
‘પપ્પા કાલે
મમ્મી પર હાથ ઉપાડતા હતા.
હવે આ ચિત્રમાં
એ હાથ નહીં હોય.’
ચિત્રમાં
હવે એક ઝાંખો ડાઘ છે,
જ્યાં હાથ હતો.
કાગળ પરથી
રબર બધું ભૂંસી શકે.
પણ
કાગળના રેસામાં
જે દબાઈ ગયું છે,
એ તો
ત્રાંસી નજરે જુઓ
તો દેખાઈ જ જાય છે.
ઇતિહાસ
આવા જ કાગળ પર લખાય છે.
– પરાગ રતનપરા