← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માતૃભાષા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન્યૂયૉર્કમાં રહેતો
મારો સાત વર્ષનો પૌત્ર
ફોન પર કહે છે:
‘દાદા, આઈ મિસ યુ.’

હું કહું છું:
‘બેટા, બોલ —
મને તમારી યાદ આવે છે.’

એ અટકે છે,
જીભ ગોળ ફેરવે છે,
જાણે
કોઈ અજાણ્યા પહાડ પર
પહેલું ડગલું મૂકતો હોય:
‘મને… ટમારી… યાડ…’

ને પછી
ખડખડાટ હસી પડે છે.

એ હાસ્ય
ગુજરાતી નથી,
અંગ્રેજી નથી —
એ તો એ જ ભાષા છે
જે બાબેલના મિનારા પહેલાં
આખી પૃથ્વી બોલતી હતી.

હું પણ હસું છું.
પહેલી વાર
મને કોઈ અનુવાદની
જરૂર નથી લાગતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરબરઆગલો લેખ →ખારું થયું