ખારું થયું
રાત આખી રોઈ મા, ને આંગણું ખારું થયું,
દીકરો પરદેશ ગ્યો, ને ઓઢણું ખારું થયું.
ભાઈ સરહદથી ન આવ્યો, રાખડી રાખી રહી,
રેશમી રાખી તણું એ તાંતણું ખારું થયું.
ભીંત ઊભી થઈ વચાળે, ઘર થયું બે ભાગમાં,
જે હતું સાકર સમું, એ આપણું ખારું થયું.
દીકરી તો સાસરે ગૈ, ઓરડો સૂનો થયો,
ઝૂલતું'તું જે હજી એ પારણું ખારું થયું.
આ પરાગે ગીત બાળી હૂંફ આપી રાતભર,
એક ટીપું આંસુનું, ને તાપણું ખારું થયું.
– પરાગ રતનપરા
#ગઝલ #આંસુ #વિરહ #પરિવાર #વેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #Separation #Family #Sorrow #ParagRatanpara