← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાતના બે વાગ્યે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતના બે વાગ્યે
એનો ફોન આવ્યો.
મેં ગભરાઈને પૂછ્યું,
“બધું ઠીક તો છે ને?”

એ બોલ્યો,
“હા… બસ એમ જ.”

પછી
અમે કશું બોલ્યા નહીં.
ફોન પર
એના શ્વાસ સંભળાતા રહ્યા,
ક્યારેક
કૂતરાનું ભસવું,
ક્યારેક
દૂર કોઈ ટ્રકનું હૉર્ન.

વીસ મિનિટ પછી
એણે કહ્યું,
“ચાલ, સૂઈ જા.”

સવારે ખબર પડી
કે ગઈ કાલે
એની નોકરી ગઈ હતી,
ઘરમાં ઝઘડો થયો હતો,
ને એ
અગાશીની પાળી પર
બેઠો હતો.

એણે મને
કશું કહ્યું નહોતું.

ફક્ત
એક માણસ જાગે છે,
એટલું જાણવા
એણે ફોન કર્યો હતો.

ત્યારથી
હું ફોન
સાઇલન્ટ પર રાખતો નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારો ગણોઆગલો લેખ →કેસૂડો