← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પુરસ્કાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ વર્ષનો ‘શ્રેષ્ઠ કવિ’ પુરસ્કાર
એને મળ્યો,
જેણે આખું વર્ષ
કવિતા નહીં,
ફોન કર્યા.

સમિતિના પ્રમુખને — જન્મદિનની શુભેચ્છા,
મંત્રીશ્રીને — ‘આપના પ્રવચને મને ઝંકૃત કરી દીધો!’
નિર્ણાયકને — ‘તમારી ગઝલ તો ગાલિબ જેવી!’

મંચ પર
શાલ ઓઢાડી,
શ્રીફળ આપ્યું,
તાળીઓ પડી.

ને છેલ્લી હરોળમાં
એક ગામડિયો કવિ
પોતાની ફાટેલી ડાયરી
ખોળામાં લઈને બેઠો હતો —
જેમાં
આખા વર્ષના
સાચા ઉજાગરા
ટાંકેલા હતા.

એ ડાયરીને
શાલ નહોતી જોઈતી;
એને તો
બસ એક વાચક જોઈતો હતો.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખમર્યા પછીઆગલો લેખ →રૂબરૂ