રૂબરૂ
સપનામાં તો રોજ પધારો, એમાં શી નવાઈ?
એક દિવસ તો આંગણ આવો, થાય સાચી સગાઈ.
સપનામાં તમે ગજરો દીધો, જાગી તો ખાલી હાથ,
સપનામાં તમે હાથ ઝાલ્યો, જાગી તો કોઈ ન સાથ;
ઓશીકે ભીની રહી ગઈ સપનાની ચતુરાઈ.
સપનામાં તો…
ચાલો, બેસીએ ઓટલે ને કરીએ બે ઘડી વાત,
ચાની ચૂસકી સાથે ઊગે ઝીણી ઝીણી રાત;
વાતોની ઝાકળમાં ભીંજે અંતરની અંગડાઈ.
સપનામાં તો…
પરાગ કહે: ફૂલ સપનામાં કદી ન મ્હેકે, સાજન,
સુગંધ માટે જોઈએ સાચું આંગણ, સાચું ઉપવન;
સપનાં છોડો, સામે આવો, એ જ સાચી કમાઈ.
સપનામાં તો…
– પરાગ રતનપરા