પ્લૅટફૉર્મ નંબર ત્રણ
પ્લૅટફૉર્મ નંબર ત્રણ પર
એક બાંકડો છે,
જે વર્ષોથી
કોઈ ગાડીની રાહ જુએ છે.
ગાડીઓ આવે છે,
ગાડીઓ જાય છે,
ચા વાળો ત્રીસ વાર
‘ગરમાગરમ’ બોલી જાય છે,
ઘડિયાળ ત્રીસ વાર
પોતાનો કાંટો ફેરવી જાય છે.
પણ બાંકડો
ઊભો થતો નથી.
મેં એને પૂછ્યું:
‘કોની રાહ જુએ છે?’
એ બોલ્યો:
‘જે ઊતરે એની નહીં,
જે બેસી રહે એની.’
ત્યારથી
હું પણ
ક્યાંય જતો નથી —
બસ, રોજ સાંજે
એની બાજુમાં
થોડો બેસી જાઉં છું.
– પરાગ રતનપરા