પરમ આનંદ
વર્ષો સુધી મેં આનંદ ખરીદ્યો —
ગાડીમાં, ઘડિયાળમાં,
પાંચ તારાની હૉટેલોમાં.
દરેક આનંદ પર
એક્સપાયરી ડેટ છાપેલી હતી.
ગઈ કાલે
પૌત્રીએ પહેલું ડગલું ભર્યું,
લથડી,
મારી આંગળી પકડી,
ને ખડખડાટ હસી.
એ હાસ્યની રસીદ
મારી પાસે નથી,
પણ એનું વળતર
હું આખી રાત
ગણ્યા કરું છું.
– પરાગ રતનપરા