ગામનો રસ્તો
આ રસ્તો
મારા ગામ તરફ જાય છે —
એવું પાટિયું કહે છે.
પણ પાટિયું જૂનું છે.
રસ્તો તો હવે
હાઇવે થઈ ગયો,
ગામ બાયપાસ.
વડલાની જગ્યાએ ટોલનાકું,
ને તળાવની જગ્યાએ
‘ગ્રીન વેલી રેસિડેન્સી’.
હું ગાડી ઊભી રાખી
એક ડોસાને પૂછું છું:
‘રતનપર ક્યાં?’
એ મારી સામે તાકી રહે છે,
પછી
પોતાની છાતી તરફ
આંગળી ચીંધે છે.
– પરાગ રતનપરા