પરચૂરણ
સવારે નવથી પાંચ
હું હિસાબ લખું છું,
સાંજે પાંચથી નવ
ઘરનાંને હિસાબ આપું છું,
ને રાત્રે
નવથી બાર
કવિતા
મારો હિસાબ માગે છે.
“આખો દિવસ શું કર્યું?”
એ પૂછે છે.
હું કહું છું:
“બસનું ભાડું ભર્યું,
બૉસનું મોઢું જોયું,
દીકરાનું હોમવર્ક કરાવ્યું,
ને દૂધવાળા સાથે
બે રૂપિયા માટે ઝઘડ્યો.”
કવિતા હસે છે:
“તો પછી
એ બે રૂપિયા લખ,
એમાં આખો દિવસ છે.”
ત્યારથી
મારી ગઝલોમાં
ચાંદ-તારા ઓછા છે,
ને પરચૂરણ
વધારે ખખડે છે.
– પરાગ રતનપરા