← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પપ્પા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પપ્પા
રવિવારે પણ વહેલા ઊઠતા,
ને અમે કહેતા: ‘કેટલા કંજૂસ છે, ઊંઘ પણ નથી વાપરતા!’

પપ્પા
નવું સ્કૂટર ન લેતા,
જૂનું રિપેર કરાવતા,
ને અમે શરમાતા.

પપ્પા
કદી ‘લવ યુ’ ન કહેતા,
બસ પૂછતા: ‘પૈસા છે ને?’

આજે
મારો દીકરો મને કંજૂસ કહે છે,
હું રવિવારે વહેલો ઊઠું છું,
ને ફોનમાં એને પૂછું છું:
‘પૈસા છે ને?’

પપ્પા
બહુ મોડા સમજાય છે —
લગભગ ત્યારે,
જ્યારે આપણે જ પપ્પા થઈ જઈએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશક્યતાઆગલો લેખ →થાકી જાય તો