શક્યતા
ફૂટપાથની બે લાદી વચ્ચે
એક તિરાડ છે,
આંગળી જેટલી.
ત્યાં
કોઈએ વાવ્યું નથી,
કોઈ પાણી પાતું નથી,
રોજ હજાર જોડાં
એના પરથી પસાર થાય છે.
તોય આજે સવારે
ત્યાં એક પાંદડું ઊગ્યું છે —
લીલું, કૂણું, હઠીલું.
આખું શહેર
ડામરનું, કાચનું, લોખંડનું;
ને એ એક પાંદડું
જાણે ધીમેથી કહે છે:
‘હું હજી હારી નથી.’
– પરાગ રતનપરા