← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થાકી જાય તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધારો કે
એક દિવસ ફોન જ થાકી જાય,
ને કહે: ‘આજે રજા. મને પણ માણસ જેવું જીવવું છે.’

તો?

તો સવારે
પહેલી વાર આપણે
બારીમાંથી સૂરજનો ‘સ્ટેટસ’ જોઈશું,
ચા ઠંડી નહીં થાય,
બાજુવાળાનું નામ યાદ આવશે,
ને બાને પૂછીશું: ‘કેમ છે?’
— આંખમાં જોઈને.

સાંજે
ફોન પાછો ચાલુ થશે,
બસો સૂચનાઓ ઠલવાશે,
ને આપણે ફરી વ્યસ્ત થઈ જઈશું.

પણ એક દિવસ માટે
આપણે ‘ઑનલાઇન’ નહીં,
જીવતા હતા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપપ્પાઆગલો લેખ →ચકલી