← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલો પગાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરાનો ફોન આવ્યો:
‘પપ્પા, પહેલો પગાર આવ્યો.’

પપ્પા કંઈ ન બોલ્યા.
ફોન મમ્મીને આપી દીધો.

મમ્મી ફોન પર હસતી રહી,
ને સાડલાને છેડે
આંખો લૂછતી રહી.

રાતે
પપ્પાએ
ત્રીસ વરસથી સાંધેલું
પેલું ખમીસ
ખીંટીએથી ઉતાર્યું,
ગડી વાળી
પેટીમાં મૂકી દીધું —

જાણે કોઈ સૈનિક
લડાઈ પૂરી થયે
પોતાની વર્દી
ઉતારતો હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહસ્તરેખાઆગલો લેખ →પાડોશીનો છોડ