← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાડોશીનો છોડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સામેના ફ્લેટવાળી
મહિના માટે બહારગામ ગઈ,
બાલ્કનીમાં
એક ગુલાબનો છોડ મૂકતી ગઈ.

હું રોજ
મારી બાલ્કનીમાંથી
લાંબી પાઇપે
પાણી પાતો રહ્યો.

એ પાછી આવી.
છોડ પર ત્રણ ગુલાબ હતાં.
એણે ફોટો પાડ્યો,
સ્ટેટસમાં મૂક્યો:
‘મારો છોડ, મારી મહેનત!’

મેં ‘લાઇક’ કર્યું.

પ્રેમ પણ
કેટલીક વાર
આમ જ
બીજાના નામે
ખીલતો હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપહેલો પગારઆગલો લેખ →તું જ